સર્ગ સાતમો

 

વસ્તુનિર્દેશ

 

            વન હૃદયમાં આવેલા એ નાનકડા આશ્રમમાં  મુનિઓની શાંતિના વાતાવરણમાં નિત્યનો જીવનક્રમ એને એ જ પ્રકારે રાતદિવસ ચલ્યા કરતો હતો. પુરાતન માતાએ પોતાના શિશુને પોતાની છાતી સરસું ચાંપી રાખ્યું હતું, અને જાણે મૃત્યુ ને પરિવર્તન છે જ નહિ એમ એના જીવંત આત્માને અને દેહને પોતાના આશ્લેષમાં રાખ્યો હતો.

             સાવિત્રીના અંતરમાં અભૂતપૂર્વ પરિવર્તન થઈ ગયું હતું , પણ બહારની નજરે એ લોકોને દેખાતું ન 'તું. જ્યાં એકમાત્ર પ્રભુની  અનંતતા હતી ત્યાં તેઓ માનવ વ્યક્તિને જ જોતો. સૌને માટે એ એની એ જ સાવિત્રી હતી, માહાત્મ્ય, માધુર્ય અને પ્રકાશ પાથરતી સાવિત્રી.

              પણ સાવિત્રી અંદરખાને હતી એક રિક્ત ચેતનસત્તા. એના શબ્દ પાછળ ને એની ક્રિયા પાછળ સંકલ્પ ન 'તો, એની વાણીને  દોરવા માટે વિચાર મસ્તિષ્કમાં રૂપ ન 'તો લેતો. વ્યકિતભાવરહિતા એ બોલતી ચાલતી. ગૂઢમાં રહેલું કોઈ એના દેહની સંભાળ રાખતું 'તું, એને ભાવિના કાર્ય માટે સંરક્ષણ હતું.

               સર્વનું પ્રભવસ્થાન એવું એક અદભુત શૂન્ય એના હૃદયનું નિવાસી બની ગયું હતું. એની મર્ત્ય અહંતા પ્રભુની રાત્રિમાં પ્રલીન રાત્રિમાં  થઈ ગઈ હતી. એની અહંતાના કોશેટા જેવી એની કાયા તો હતી, પણ તેય જાણે અસત્ સત્તાના સાગરમાં તરી રહી હતી. પવિત્ર પરમાત્મા પિતા ને પુત્ર વગરનો બની ગયો હતો. નિર્વિકાર, નીરવ, એકાકી અને અગમ્ય બની ગયેલું એનું સત્ત્વ મૂળની સ્થિતિને પ્રાપ્ત થઈ ગયું હતું.

                આવું હોવા છતાંય ઊંડી અભાવાવસ્થામાં સર્વ કંઈ લોપ પામી ગયું ન 'તું. સાવિત્રીનો આત્મા સાવ શૂન્યની પ્રતિ ગતિ કરી રહ્યો ન 'તો. એનું મુખ એક અવ-ગુંઠિત અવાક સત્યની દિશામાં વળેલું હતું. આ એના હૃદયની નીરવ ગુહામાં નિલીન હતું ને ત્યાં રહ્યું રહ્યું મહામથામણમાં પડેલા જગતને જોતું હતું, એને અથે ની

૧૩૩


શોધને પ્રેરતું 'તું ને પોતે શોધાઈ જવાની દરકાર રાખતું ન 'તું.

          કોઈ એક નિગૂઢ પોતાના અશરીરી પ્રકાશના સંદેશા નીચે મોકલતું હતું, આપણો જે નથી એવા વિચારની વિધુતો વિલસાવતું હતું. સાવિત્રીના નિશ્ચલ માનસને પાર કરીને એ અર્ચિષોને આકાર આપતી વાણીને પકડી લેતું, એક શબ્દમાં પ્રજ્ઞાનના હૃદયને ધબકતું બનાવતું, મર્ત્ય ઓઠથી અમર્ત્ય વસ્તુઓ ઉચ્ચારતું હતું. ઋષિમુનિઓની સાથે ચાલતી  પ્રશ્નોત્તરીમાં સાવિત્રી મનુષ્યો માટે અશક્ય એવા આવિષ્કારો કરતી. કોઈ સુદૂરના ગુહ્યે એના ક્લેવરનો કબજો લીધો હતો અને એને એ પોતાના રહસ્યમય ઉપયોગ માટે વાપરતું. આથી સાવિત્રીના મુખ દ્વારા અવર્ણ્ય સત્યો અને અચિંત્ય જ્ઞાન પ્રકટ થતાં ને શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈ જતા. મુનિઓને લાગતું કે એમણે પોતે જેની માત્ર દૂરથી ઝાંખી કરી હતી તે સર્વ સાવિત્રી જાણતી હતી. પણ એના વિચારો એના મગજમાં રચાતા ન 'તા એનું ખાલી થઈ ગયેલું હૃદય તાર વગરની સિતારી જેવું હતું. એનું શરીર નિરાવેગ સ્થિતિમાં રહેતું અને એના પોકાર પર એનો દવો ન 'તો, એ માત્ર અલૌકિક જ્યોતિર્મય મહિમાને પોતામાં થઈને પસાર થવા દેતું. એના આત્માના ગૂઢ ધ્રુવો ઉપર આવેલું શકિતનું એક અનામી ને અદૃશ્ય દ્વન્દ્વ હજુ કાર્ય કરતું 'તું. સાવિત્રીની દૈવી રિક્તતા એનું કાર્યસાધન હતું. એમાંનું એક હતું નીચેની અચેતન પ્રકૃતિ ને બીજું હતું પરચૈતન્ય રહસ્યમયતા, મનુષ્યોના  વિચારોને સ્પર્શવા માટે એ શબ્દને પ્રયોજતી, ને વિરલ એવી અપૌરુષેય વાણી પ્રકટતી.

            પણ હવે સાવિત્રીના શાંત અને સૂના મનોવિસ્તારમાં બાહ્ય સ્વરનો સ્વાંગ ધરીને એક વિચાર સંચર્યો, ને સીધેસીધો એના શુદ્ધાવબોધના અવકાશીય કેન્દ્રમાં આવ્યો. સાવિત્રીની આત્મસત્તા શરીરની દીવાલો ને દરવાજાઓમાં જરા જેટલીય પુરાઈ રહી ન 'તી. એ તો પરિધિ વિનાના મહાવર્તુલમાં પલટાઈ જઈ વિશ્વની સીમાઓ વટાવી ગઈ હતી. ન 'તું ત્યાં કો રૂપ કે લક્ષણ, ન 'તી પરિધિરેખા, ન 'તી તલભૂમિ, ન 'તી ભીંત ને ન 'તું વિચારનું છાપરું. છતાંયે એ એક નિશ્ચલ અને નિઃસીમ મૌનમયી શાંતિમાં રહીને જ સમસ્તને જોતી. એની અંદરનું બધું જ એક નિઃસ્પંદ ને સમસ્થિત અનંતતા બની ગયું હતું. અદૃષ્ટ અને અજ્ઞાત એક એનામાં પોતાના અવસરની રાહ જોઈ રહ્યો હતો.

             સાવિત્રી સૂતેલા સત્યવાનની પાસે બેઠી હતી. અતિ ઘોર રાત્રિમાં એ અંદરથી જાગ્રત હતી. એની આસપાસ અજ્ઞેયની અસીમતા વિસ્તરી હતી. આ સમયે એના અંતરમાંથી એક અવાજે બોલવાનું આરંભ્યું. એ અવાજ એનો પોતાનો ન 'તો, તેમ છતાં એણે એના વિચારને ને ઇન્દ્રિગ્રામને આધીન બનાવી દીધાં. આ અવાજ સાથે સાવિત્રીની અંદરનું તેમ જ બહારનું બધું બદલાઈ ગયું. સર્વ કંઈ હતું, સર્વ કંઈ સજીવ હતું, સર્વ કંઈ એકરૂપ હતું. અસત્ય સંસાર શમી ગયો. બ્રહ્ય, એક આત્મા સૃષ્ટ વસ્તુઓને વિલોકતો હતો. એ પોતાની અંદરથી અસંખ્યાત રૂપોને

 ૧૩૪


પ્રક્ષિપ્ત કરતો ને પોતે જે જોતો ને સર્જતો તેની સાથે તદરૂપ હતો. નકારને જેમાં સ્થાન નથી એવું એ સત્ય હતું, અસત્તાનું ભાન સંહારાયું હતું. બધું જ હતું સચૈતન્ય, અનંતનું બનેલું. સર્વમાં શાશ્વતતાનું તત્ત્વ હતું. એ ને અકલ એક હતાં. આ અસત્ શૂન્યમાં વિસ્તાર પામતું મીડું ન 'તું. એ એનું એ જ હોવા છતાંય દૂરનું ન 'તું લાગતું. એ હતું સાવિત્રીના પુનઃપ્રાપ્ત આત્માના આશ્લેષમાં. એ હતું એનો આત્મા અને ભૂતમાત્રનો આત્મા. અસ્તિમતી સર્વ વસ્તુઓની સત્યતા એ હતું. જે સર્વ જીવંત હતું, સંવેદનશીલ ને દૃષ્ટિયુક્ત હતું, તેનું એ ચૈતન્ય હતું સરૂપ-અરૂપ, ઉભયનું એ મહાસુખ હતું. એ હતું એકાલરૂપ ને કાલરૂપ પણ એ જ હતું. એ હતું પ્રેમ અને પ્રેમપાત્રનો ભુજાશ્લેષ. એક સર્વદર્શી મનમાં એ હતું દૃષ્ટિ ને વિચાર. પ્રભુનાં શિખરો પર એ આત્માનો આનંદ હતું. 

           સાવિત્રીએ કાળમાંથી અકાળમાં પ્રવેશ કર્યો હતો. દિગ્-વિસ્તારમાંથી બહાર સરકી જઈને એ અનંત બની હતી. ઊંચે આરોહતો એનો આત્મા અગમ્ય શિખરોએ પહોંચ્યો, અગાધ ઊંડાણોમાં નિમજજન કરતાં એ મૌન રહસ્યમયતાનો અંત પામ્યો નહિ. સાવિત્રી શૃંગોની પારના શૃંગે અને ઊંડાણોની પારના ઊંડાણે પહોંચી; સનાતનને એણે આત્માવાસ બનાવ્યો; મૃત્યુને આશ્રય આપનાર અને કાળચક્રને ધારણ કરનાર સર્વમય પોતે બની ગઈ.

            આત્માની અનંતતામાં સર્વે વિરોધો પણ સત્યરૂપ હતા. एक પરાત્પરની આશ્ચર્ય-મયતાના હૃદયમાં વિશ્વાત્મા સાથે એકાત્મક એક વ્યક્તિ સર્વને સર્જતી ને સર્વના સર્વેશ્વરસ્થાને હતી. મન એના સ્વરૂપ ઉપરની ને પોતે જે સર્વ બન્યો છે તેની ઉપરની એક અસંખ્યગુણ દૃષ્ટિરૂપ હતું. વિરાટ રંગમંચ પર જીવન એનું નાટક હતું, વિશ્વ એનું શરીર ને પ્રભુ એનો આત્મા હતો.

              સાવિત્રીના આત્માને જગતને જીવંત પ્રભુરૂપે જોયું. એણે એકસ્વરૂપને જોયો ને જોયું કે જે કંઈ છે તે સર્વ એજ છે. કેવલબ્રહ્યના આત્માવકાશરૂપે એણે એને પિછાન્યો . અનંત કાળની યાત્રામાં એણે એનું અનુસરણ કર્યું. પ્રકૃતિમાં થઈ રહેલું સર્વ એની પોતાની અંદરની ઘટનાઓ હતી. વિશ્વના હૃદયની ધબકો એની પોતાની હતી. સર્વે સત્ત્વો એની પોતાની અંદર વિચરતાં, સંવેદતાં ને ચેષ્ઠા કરતાં હતાં. વિરાટ વિશ્વમાં એનો નિવાસ હતો, એનાં અંતરો પોતાના સ્વભાવની સીમાઓ હતાં, એની અંતરંગતાઓ એના પોતાના જીવનની અંતરંગતાઓ હતી. એના મનની સાથે પોતાના મનનો પરિચય હતો. એનું શરીર પોતાના શરીરનું વિશાળતર માળખું હતું. અનંતતા એનું સ્વાભાવિક ગૃહ હતું. અમુક એક જગાએ એ રહેતી નહિ, એનો આત્મા સર્વત્ર હતો. પૃથ્વીએ એને જન્મતી જોઈ, બધાંય ભુવનો એનાં સંસ્થાનો હતાં. પ્રાણનાં ને મનનાં બૃહત્તર જગતો એનાં પોતાનાં જ હતાં. સર્વે આત્માઓનો એ એકાત્મા હતી. વૃક્ષોમાં ને પુષ્પોમાં એ અવચેતન જીવન હતી, વસંતની મધુમંજરી રૂપે ફૂટી નીકળતી, ગુલાબની ભાવાવેશભરી ભવ્યતામાં

૧૩૫


પોતે પ્રદીપિત થતી. અનુરાગના ફૂલનું એ રાતું હૃદય હતી, સરનાં સરોજોમાં એ શુભ્ર સ્વપ્ન હતી. અવચેતનામાંથી એ મને ગઈ હતી, માનવહૃદયમાં ગુપ્ત રહેતી એ દેવતા હતી. મનુષ્યના આત્માને પ્રભુ પ્રત્યે આરોહણ કરતો એ અવલોકતી હતી. વિશ્વબાગની એ વિશાળ કયારી હતી. પોતે કાળ હતી ને કાળમાંનાં પ્રભુનાં સ્વપ્ન હતી. એ હતી અવકાશ અને પ્રભુના દિવસોની વિશાળતા.

             જ્યાં સ્થળ-કાળ નથી ત્યાં હવે એ આરોહી. પરાત્પર ચેતના એનું નૈસર્ગિક વાયુમંડળ  બની ગઈ. અનંતતા એના ચલનની સ્વભાવિક ગતિ હતી. સાવિત્રીમાં રહીને શાશ્વતતા હવે કાળ ઉપર દૃષ્ટિપાત કરતી હતી.

 

 

હૈયે અરણ્યના આવ્યા નાના આશ્રમની મહીં,

સુર્યપ્રકાશમાં, ચંદ્રપ્રભા ને અંધકારમાં

રોજની  જેમ રોજિંદું માનવોનું હતું જીવન ચાલતું,

બદલાતો નહીં એવા એના નિત્યતણે ક્રમે,

બ્હારનાં અલ્પ કાર્યોની એની એ જ ઘરેડમાં,

તપસ્વી મુનિઓ કેરી સુખે સભર શાંતિમાં.

ભૂમિના દૃશ્યનું જૂનું સૌન્દર્ય સ્મિત સારતું;

માયાળુ સહુની પ્રત્યે રહેતી 'તી સાવિત્રી પણ પૂર્વવત્ .

પુરાણી માત છાતીએ લગાડેલું રાખતી નિજ બાળને,

આશ્લેષમાં લઈ લેતા સ્વહસ્તોથી ગાઢ દબાવતી,

જાણે કે નિત્ય એની એ રહેનારી વસુંધરા

નિત્ય માટે નિજાશ્લેષે સાચવી શક્તિ હતી

પ્રાણવાન જીવને ને શરીરને,

જાણે કે મૃત્યુ ના, અંત ના, ને ના પરિવર્તને.

ટેવાયેલા બાહ્ય ચિહ્નોતણો અર્થ ઘટાવવા

નવું કશું ન એનામાં કોઈએ અવલોક્યું,

કર્યું એની અવસ્થાનું કોઈએ અનુમાન ના;

તે વ્યક્તિ એક જોતાં 'તા હતી માટે પ્રભુની જ્યાં અનંતતા,

હતો નિઃસ્પંદ આત્મા જ્યાં, અને જંગી હતી જ્યાં શૂન્યરૂપતા.

સૌને માટે હતી એની એ જ એ તો સાવિત્રી પૂર્ણતા ભરી:

માહાત્મ્ય એક, માધુર્ય એક ને જ્યોતિ એક એ

પોતામાંથી રેલતી 'તી પોતા કેરા નાના જગની પરે.

અભ્યસ્ત મુખ સર્વેને એનું એ જ જિંદગી બતલાવતી,

બદલાયા વિના જૂની ઘરેડે સૌ કૃત્યો એનાં થતાં હતાં,

૧૩૬


 

જે શબ્દો બોલવાને એ ટેવાઈ 'તી તે જ એ બોલતી હતી,

ને હમેશાં કરી 'તી જે વસ્તુઓ તે એ કર્યા કરતી હતી.

ધરાના અવિકારી મોં પ્રત્યે એની આંખો બ્હાર વિલોક્તી,

જૂની રીતે ચાલતું સૌ મૂક ચૈત્યની આસપાસમાં,

હતી અંતરમાંહેથી રિક્ત એક ચેતના અવલોકતી,

એનામાંથી બધું ખાલી થયું 'તું ત્યાં

હતી માત્ર શુદ્ધ કેવળ સત્યતા.

શબ્દ ને કર્મની પૂઠે એકે સંકલ્પ ના હતો,

વાણીને દોરવા માટે એને માથે રચાતો ન વિચાર કો:

એનામાં રિક્તતા એક વ્યક્તિભાવવિવર્જિતા

બોલતીચાલતી હતી,

ન લ્હેવાતું, ન દેખાતું, જાણવામાં ન આવતું

કૈંક કદાચ કાર્યાર્થે ભાવી કેરા

એના દેહતણી સંભાળ રાખતું,

કે એનામાં પ્રવર્તંતી હતી પ્રકૃતિ પૂર્વના

નિજ શકિતપ્રવાહમાં.

કદાચ ધરતી 'તી એ અદભુતાકાર શૂન્યતા

પોતાને હૃદયે જેને બનાવી 'તી સચેતના;

આપણા ચૈત્ય જીવોનું છે એ મૂળ,

ઉત્સ ને સરવાળો છે ઘટનાઓતણો વિશાળ વિશ્વની,

છે ગર્ભાશય ને ઘોર વિચારની,

મીડું છે પ્રભુનું, આત્મસત્-તા કેરી સમગ્રતા

છે એ શૂન્યાકાર વર્તુલની મહીં.

લેતી એહ હતી એની વાણીને ઉપયોગમાં

અને એનાં કાર્ય દ્વારા કાર્ય એ કરતી હતી,

હતી સૌન્દર્ય એ એનાં અંગોમાં ને પ્રાણ ઉચ્છવાસનો હતી;

આદિ ગુહ્યે હતું ધાર્યું મુખ માનવ એહનું.

આમ અંતરમાં લોપ પામી 'તી એ પૃથગ્-ભાવી સ્વરૂપમાં;

પ્રભુની રાત્રિમાં મર્ત્ય 'હું' એનું 'તું મરી ગયું.

બાકી દેહ રહ્યો 'તો જે કોટલુ 'હું' તણું હતો,

સંસારસિંધુના સ્રોત્ર અને ફેન વચમાં તરતો જતો,

સ્વપ્ન-સિન્ધુ નિરીક્ષાતો ગતિહીન ઇન્દ્રિયજન્યજ્ઞાનથી

અસત્ય સત્યના એક રૂપમાં.

અવ્યકિતભાવિની પૂર્વદૃષ્ટિ જોઈ કયારની શકતી હતી

૧૩૭


 

વ્યકિતસ્વરૂપતા મૃત્યુ પામતી ને વિશ્વ વિરામ પામતું,

વિચારરહિતા બ્રહ્યજ્ઞાનની એ દશા હતી

જેમાં હાલેય ને પ્રાયઃ સમાપિત જ લાગતું,

અનિવાર્ય જ લાગતું;

આ બે જતાં બની મિથ્થા ગયું 'તું પર પારનું,

પવિત્રાત્મા પિતા-પુત્ર વિનાનો સંભાવ્યો હતો,

કે એકવાર આવેલું હતું જે અસ્તિની મહીં

તેના આધારરૂપ, सत्,

સંકલ્પ ના કદી જેણે કર્યો 'તો આ વિશ્વ વંઢારવાતણો

તેને ઐકાંતિકાવસ્થા નિજ મૂળ પુનઃ પ્રાપ્ત થઈ હતી

ને તે શાંત, નિરાવેગ, એકલું ને અગોચર

મૌનમાત્ર બન્યું હતું.

છતાં ગહન આ નાશમહીં ન 'તું નિર્વાણમાં શમ્યું;

આત્મસત્-તા શૂન્ય પ્રત્યે પ્રયાણ કરતી ન 'તી.

રહસ્યમયતા કોઈ હતી એક સર્વથીય બઢી જતી,

ને સત્યવાનની સાથે એકલી એ જે સમે બેસતી હતી

ઘનિષ્ઠ ગહના રાત્રી કેરી નીરવતામહીં,

મન નિશ્ચલ રાખીને પોતાનું સત્યવાનના

શોધનારા ને પ્રયાસ કરનારા મનના સાથની મહીં,

ત્યારે તે વળતી સત્ય કેરા ઢાંકયા નિઃશબ્દ મુખની પ્રતિ

જે હતું છન્ન હૈયાનાં મૂક એકાંતની મહીં,

કે વિચારે સમારૂઢ છેલ્લા શિખર પાર જે

વાટ જોઈ રહ્યું હતું,

આ દૃશ્ય આપ, જે જોઈ રહ્યું છે મથતું જગત્ ,

આપણી ખોજને પ્રેરી રહેલું જે

પામવાની પોતે ન પરવા કરે;

આવ્યો ઉત્તર એ દૂર કેરા વિરાટમાંહ્યથી.

કૈંક અજ્ઞાત, અપ્રાપ્ત, તર્કાતીત નિગૂઢ કૈં

હતું પાઠવતું નીચે સંદેશાઓ અશરીરી સ્વજ્યોતિના,

વીજના ઝબકારાઓ નાખતું 'તું

આપણો જે નથી એવા વિચારના,

ને સાવિત્રીતણા ચેષ્ટાહીન નીરવ ચિત્તને

કરી પાર જતું હતું:

જવાબદાર ના એવા પ્રભાવે સ્વપ્રભુત્વના

૧૩૮


 

આકાર દીપ્તિઓને એ દેવા માટે વાણીને ગ્રહતું હતું,

શબ્દમાં પ્રાજ્ઞતા કેરા હૈયાને ધબકાવતું

ને મર્ત્ય અધરોસ્ઠોથી અમર્ત્ય વસ્તુઓને વાચ આપતું.

જે જયારે સુણતી'તી એ મુનિઓને અરણ્યના

ત્યારે પ્રશ્નોત્તરી વેળા મનુષ્યોને અશકય જે

તેવા અદભુત ને ઉચ્ચ આવિષ્કારો

સાવિત્રીની પાસથી આવતા હતા,

ગુપ્ત ને દૂરનું કૈંક અને કોક સ્વ ગૂઢ ઉપયોગને

માટે પકડમાં લેતું હતું એના શરીરને, 

અવર્ણનીય સત્યોને માર્ગ દેવા

મુખ એનું લેવાતું હાથમાં હતું,

ચિંત્યું જાય નહીં એવું જ્ઞાન ઉદગાર પામતું.

નવા જ્ઞાનોદયે આશ્ચર્ય પામતા

અને આક્રાન્ત રેખાએ જ્યોતિની કેવલાત્મની

મુનિઓ વિસ્મયાવિષ્ટ થતા એથી, કેમ કે લાગતું હતું

કે પોતે દૂરથી કોક વાર જેની ઝાંખી કેવલ પામતા

તેનું એને થઈ જ્ઞાન ગયું હતું.

આ વિચારો ન 'તા રૂપ લેતા એના મસ્તિષ્કે ઘ્યાન આપતા,

ખાલી હૈયું હતું એનું તંત્રીરહિત બીન શું;

આવેગ વણનો દેહ દાવો ન્હોતો કરતો નિજ સૂરનો,

પસાર કિંતુ થાવા એ દેતો 'તો નિજમાં થઈ

દીપ્તિમંત મહત્ત્વને.

શકિત એક દ્વિકા આત્માતણા ગૂઢ ધ્રુવો પરે

હજીએ કરતી કાર્ય, ને અનામી અને અદૃશ્ય એ હતી :

દિવ્ય રક્તત્વ સાવિત્રી કેરું શસ્ર બનેલું તેમનું હતું.

અચિત્ પ્રકૃતિ પોતાના બનાવેલા

વિશ્વ સાથે વ્હેવાર કરતી હતી,

અને હજીય લેતી 'તી દેહ કેરાં સાધનો ઉપયોગમાં,

જે સચેતનતાયુક્ત શૂન્ય પોતે બની હતી

તેની મધ્ય થઈ સરકતી હતી;

મનુષ્યોના વિચારોને સ્પર્શવાને અતિચેતન ગુહ્યતા

એ શૂન્યતાતણા દ્વારા નિજ શબ્દ આદિષ્ટ કરતી હતી.

અપૌરુષેય આ વાણી પરમા તો વિરલા હજુયે હતી.

પરંતુ અવ જે મધ્યે મન એનું

૧૩૯


 

શાંતભાવી અને રિક્ત વિધમાન રહ્યું હતું

તે નિશ્ચલ અને વ્યાપ્ત અધ્યાત્મ અવકાશમાં

વૈશ્વ વિશાલતાઓની મધ્યેથી કો યાત્રી પ્રવેશ પામિયો:

બ્હારના સ્વરથી સજ્જ થઈ એક આવ્યો વિચાર ભીતરે.

સાક્ષી મનતણો એણે બોલાવ્યો ના,

ચૂપાચૂપ ઝીલનારા હૈયા સાથે એણે વાત કરી નહીં;

આવ્યો સીધો એ વિશુદ્ધ જ્ઞાનના ધામની કને,

જે એકમાત્ર ચૈતન્યતણું કેન્દ્ર હતું હવે,

જો કેન્દ્ર એ કહેવાય જ્યાં બધુંયે અંતરાલ જ લાગતું;

ન હવે બંધ દીવાલો ને દ્વારોએ શરીરનાં

સત્ત્વ એનું હતું જેહ વૃત્ત પરિધિરિક્ત, તે

વિશ્વની સર્વ સીમાઓ વટાવીને

ક્યારનું હવે પાર ગયું હતું

ને હજીયે વધારે ને વધારે એ વ્યાપતું 'તું અનંતમાં.

હતું આ સત્ત્વ પોતે જ સીમાઓથી મુક્ત પોતાતણું જગત્ ,

જગત્ જેને ન 'તું રૂપ, ન વૈશિષ્ટય, કે હતી ઘટના ન જ્યાં,

ન 'તી કો ભૂમિકા, ન્હોતી ભીંત, ન્હોંતું છાપરુંય વિચારનું,

છતાં જે જાતને જોતું અને જોતું આસપાસતણું બધું

અચલા ને અમર્યાદા એક નીરવતામહીં.

વ્યક્તિ એકે હતી ના ત્યાં, મન કેન્દ્રિત ના હતું,

લાગણીનું ન 'તું સ્થાન બનાવોની થતી જે પર તાડના,

પ્રતિકાર્યતણું તાણ આણતા ને તેને આકાર આપતા

પદાર્થો પણ ના હતા.

આ આંતર જગે કોઈ હતી ના ગતિશીલતા,

હતું સમસ્ત નિઃસ્પંદ, એકસમ અનંતતા.

અદૃષ્ટ ને અવિજ્ઞાત સાવિત્રીમાં વાટ જોઈ રહ્યો હતો.

 

અત્યારે કિંતુ બેઠી એ હતી સૂતા સત્યવાન સમીપમાં,

અંતરે જાગ્રતા, એની આસપાસ બેશુમાર હતી નિશા

અજ્ઞેયની બૃહત્તા મધ્ય ઘેરતી.

એના હૃદયમાંથી જ સ્વરે એક બોલવાનું શરૂ કર્યું,

સ્વર એનો પોતાનો એ હતો નહીં,

છતાં વશ કર્યાં એણે ચિંતનાને અને ઇન્દ્રિગ્રામને.

બોલતો એ હતો ત્યારે સાવિત્રીનું

૧૪૦


 

અંતર્-બાહ્ય બદલાતું ગયું બધું;

વિદ્યમાન હતું સર્વ, સઘળું જીવતું હતું;

બધુંયે એક છે એવી એને સંવેદના થઈ;

અસદરૂપ જગત્ કેરું અસ્તિત્વ ઓસરી ગયું :

મનથી વિરચાયેલું વિશ્વ નામે ન 'તું હવે,

બનાવટ અને સંજ્ઞાતણા દોષ કેરો આરોપ પામતું;

આત્મા એક, જીવ એક જોતો 'તો સૃષ્ટ વસ્તુઓ,

ને અસંખ્યાત રૂપોમાં પોતાને ઢાળતો હતો

ને પોતે જે હતો જોતો ને પોતે જે બનાવતો

તે-સ્વરૂપ સ્વયં હતો,

પ્રમાણ સઘળું હાવે બન્યું એક આશ્ચર્યાત્મક સત્યનું,

સત્ય એવું હતું કે જ્યાં સ્થાન ઇન્કારને ન 'તું,

હતું એ એક સત્-તા ને હતું જીવંત ચેતના,

સાવ સંપૂર્ણ સત્યતા.

અવાસ્તવિક ત્યાં સ્થાન મેળવી શકતું ન 'તું,

 અવાસ્તવિકતા કેરો ભાવ હણાયલો હતો :

સચેત ત્યાં હતું સર્વ ને બનેલું અનંતનું,

હતું સંપન્ન ત્યાં સર્વ તત્ત્વે શાશ્વતતાતણા.

તે છતાંયે હતું એનું એ જ અપાઠગમ્ય આ;

સ્વપ્નની જેમ એ વિશ્વ નિજમાંથી કાઢતું લાગતું હતું,

જે આદિ શૂન્યમાં નિત્ય માટે લુપ્ત થઈ જતું.

આ પરંતુ ન 'તું એકે સર્વવ્યાપી બિન્દુ અસ્પષ્ટતા ભર્યું,

કે અસત્ય અભાવે કો મીડું બૃહત્પ્રમાણનું.

એનું એ જ હતું એ, ના હવે કિંતુ જરાયે દૂર લાગતું

સજીવાશ્લેષને માટે પુનઃપ્રાપ્ત એના ચૈત્યસ્વરૂપના.

આત્મા એનો હતું એ ને હતું આત્મા સમસ્તનો,

અસ્તિવંતી વસ્તુઓની હતું વાસ્તવ સત્યતા,

જે સર્વ જીવતું 'તું ને હતું સંવેદતું ને દેખતું હતું

તેની એ ચેતના હતું:

હતું અકાળતા એહ અને કાળેય એ હતું,

હતું અરૂપતાની ને રૂપની એ મહામુદા.

હતું એ પ્રેમસર્વસ્વ અને એક પ્રેમીના બાહુઓ હતું,

સર્વદર્શી મને એક દૃષ્ટિ-વિચાર એ હતું,

પ્રભુનાં શિખરોએ એ હતું આનંદ આત્મનો.

૧૪૧


 

સાવિત્રી કાળની પાર સંચારી ને પ્રવેશી શાશ્વતીમહીં,

અવકાશતણીબ્હાર સરકીને બની અનંતરૂપ એ;

આરોહીને ગયો એન આત્મા પ્રાપ્ત ન એવાં શિખરો પરે,

અને ન પરમાત્મામાં અંત એને નિજ યાત્રાતણો મળ્યો.

નિમજ્જન કર્યું એણે અગાધ ગહનોમહીં,

ને એને હાથ આવ્યો અંત મૌન રહસ્યમયતાતણો

જે એક એકલે હૈયે ધારતી 'તી ચરાચર સમસ્તને,

છતાંયે સૃષ્ટિના સ્વર સમૂહોને આશ્રય આપતી.

એ વિરાટ હતી સર્વ અને એમ હતી બિન્દુ અનત્ન એ,

શૃંગની પારનું શૃંગ ને ઊંડાણ ઊંડાણો પારનું હતી,

સનાતનમહીં એનું હતું જીવન ચાલતું,

ને જે આશ્રય આપે છે મૃત્યુને ને ધારે છે કાલચક્રને

તે સમસ્તયે એ હતી.

હતો જે માપથી મોટો, પરિવર્તન પારનો

ને પરિસ્તિતિથી પર

તે બૃહદરૂપ આત્મામાં વિપરીતો સત્યરૂપ હતાં બધાં.

વિશ્વાત્મા શું એકરૂ, વ્યક્તિ એક,

પરાત્પરતણા આશ્ચર્યના હૃદયની મહીં

અને વૈશ્વ વ્યક્તિતાનું રહસ્ય જે

તેવો એક હતો સૃષ્ટા અને ઈશ્વર સર્વનો.

પોતાની પર ને પોતે જે-સ્વરૂપ બન્યો હતો

તેની ઉપરની એક અનેકશઃ

દૃષ્ટિરૂપ હતું મન,

જિંદગી નાટય એનું ને વિરાટ મંચ રંગનો,

બ્રહ્યાંડ દેહ એનો ને આત્મા એનો હતો પ્રભુ.

સમસ્ત એક ને એક માત્ર સીમારહિતા સત્યતા હતું,

અસંખ્યાત સ્વરૂપોમાં હતું એનો પ્રપંચ સૌ.

 

જીવંત પ્રભુને રૂપે આત્મા એનો જોતો જગતને હતો;

જોતો 'તો एक ને એ ને જાણતો 'તો કે હતો સર્વરૂપ सः.

જાણતી એ હતી એને નિજાકાશરૂપ કેવળ ભ્રહ્યના,

સ્વાત્મા સાથે એકરૂપ, ભૂમિકા હ્યાં સઘળી વસ્તુઓતણી,

જેમાં પર્યટતું વિશ્વ શોધમાં તેહ સત્યની

જે અજ્ઞાનતણા મો'રા પૂઠે એના સાચવી છે રખાયલુ :

૧૪૨


 

અનંત કાળની આગેકૂચમાં એ એને જ અનુવર્તતી.

ઘટનાઓ પ્રકૃતિની ઘટનાઓ એનામાં જ થતી હતી,

ધબકો વિશ્વના હૈયા કેરી એની પોતાની ધબકો હતી,

એનામાં સઘળાં સત્ત્વ વિચાર કરતા હતાં,

લાગણીઓ લહેતાં ને ચલનો કરતાં હતાં;

હતી નિવાસિની પોતે વિશ્વ-વિશાલતાતણી,

દૂરતાઓ હતી એની સીમાઓ સ્વ-સ્વભાવની,

એની નિકટતાઓ તે ગાઢતાઓ નિજ જીવનની હતી.

વિશ્વના મનની સાથે મન એનું હતું પરિચયે રહ્યું,

વિશ્વનો દેહ તે એના દેહ કેરું વિશાળતર ચોકઠું,

જેમાં હતી રહેતી એ ને પોતાને એક જ્યાં જાણતી હતી,

બહુ સંખ્યત્વ પામેલી સમૂહોમાંહ્ય એહના.

સત્ત્વ પોતે એકમાત્ર હતી તોય હતી સલક વસ્તુઓ;

હતું વિશ્વ નિજાત્માના વિશાળ પરિધિસ્થળે,

બીજાઓના વિચારો શું હતી એની ઘનિષ્ઠતા,

વિશ્વવિશાળ પોતાના હૈયા સાથે

ભાવો ગાઢ બનેલા તેમના હતા,

તેમના દેહ પોતાના બહુ દેહો હતા નિકટના સગા;

જાતમાત્ર હવે ના એ, એ હતી સચરાચર.

અનંત્યોમાંહ્યથી એની પાસે સૌ આવતું હતું,

અનંત્યોમાં હતી વ્યાપી ગઈ પોતે સચેતના,

સ્વાભાવિક હતું એનું નિજ ધામ અનંતતા.

ક્યાંય વાસ ન 'તો એનો, આત્મા એનો વ્યાપ્યો 'તો સઘળે સ્થળે,

નક્ષત્રરાશિઓ દૂર કેરી એની ફરતે ફરતી હતી;

પૃથ્વીએ જન્મની એને હતી જોઈ,

વિશ્વો સર્વ હતાં એની વસાહતો,

પોતાનાં જ હતાં એનાં વિશ્વો પ્રાણ-મન કેરાં મહત્તર;

સારી પ્રકૃતિ પોતાની રીતે એને

સર્જતી 'તી પુનઃ પુનઃ,

નિસર્ગ-ગતિઓ એની ગતિઓની મોટેરી નકલો હતી.

સઘળાં આ સ્વરૂપોનું એકમાત્ર હતી આત્મસ્વરૂપ એ,

એનામાં હતી એ ને એનામાં સર્વ એ હતાં.

હદ પારતણી આધ આ હતી એકરૂપતા

જેમાં વ્યક્તિત્વ પોતાનું એનું લુપ્ત થયું હતું :

૧૪૩


 

લાગતું જે હતું જાત જેવું તે તો હતું બિંબ સમષ્ટિનું.

હતી પોતે વૃક્ષની ને પુષ્પ કેરી અવચેતન જિંદગી,

ફૂટી નીકળતી પોતે મધુમંતી કળીઓમાં વસંતની;

ભાવે ને ભવ્યતામાં એ જળતી 'તી ગુલાબની,

ગાઢાનુરાગ ફૂલ કેરું હૈયું હતી એ લાલરંગનું,

હતી પદ્માકરે પદ્મ કેરી સ્વપનાલુ શુભ્રતા.

મને ચઢી હતી એહ અવચેતન પ્રાણથી,

હતી વિચાર એ, હૈયે વિશ્વ કેરા હતી ઘાઢાનુરાગ એ,

હૃદયે માનવીના એ હતી આચ્છાન્ન દેવતા,

માનવીના ચૈત્ય કેરું પ્રભુ પ્રત્યે અધિરોહણ એ હતી.

એનામાં ફૂલતું વિશ્વ, એ એની કયારડી હતી.

હતી એ કાળ ને સ્વપ્નાં પ્રભુનાં કાળની મહીં;

હતી આકાશ પોતે ને પ્રભુ કેરા દિવસોની વિશાળતા.

આ અવસ્થામહીંથી એ અધિરોહી સ્થળકાળ હતાં ન જ્યાં;

પરચૈતન્યનું ધામ એને માટે સહજાત હવા હતું,

અનંતતા હતી એની હિલચાલ માટે સ્વાભાવિક સ્થલ;

હતી શાશ્વતતા એના દ્વારા દૃષ્ટિ નાખતી કાલની પરે.

૧૪૪


સાતમો  સર્ગ  સમાપ્ત

 

સાતમું  પર્વ  સમાપ્ત